Pregnancyમાં માનસિક સંતુલન | સગર્ભાની માનસિક હાલતની ગર્ભ પર થતી અસર

સગર્ભાવસ્થામાં માનસિક સંતુલન Pregnancy During Mental Health : સગર્ભાવસ્થા પ્રકૃતિનું પવિત્ર કાર્ય છે. સગર્ભાવસ્થામાં ભાવિ માતા અને ગર્ભમાં રહેલા બાળકની રક્ષા માટે, કુદરત કામે લાગી જાય છે. સગર્ભાવસ્થામાં તન અને મનમાં સ્વાથ્યની રક્ષા માટે, શરીર અનેક પ્રકારના અંતઃસ્ત્રાવો નિર્માણ કરે છે. સગર્ભાવસ્થામાં ભાગ્યે જ શારીરિક કે માનસિક બીમારી દેખા દે છે.

અત્યંત ભાવુક, ભારે સંવેદનશીલ અને પ્રત્યાઘાતી મનોપ્રવૃત્તિવાળી સ્ત્રીઓ મોટે ભાગે સગર્ભાવસ્થામાં એક યા બીજી મનોવૈજ્ઞાનિક સમાસ્યાઓ ઊભી કરે છે. અત્યંત કલ્પનાશીલ સગર્ભા-સ્ત્રી પ્રસૂતિની ભારે પીડા અને મોતની કલ્પના કરતી રહે છે. જન્મેલું બાળક અપંગ, અલ્પ બુદ્ધિવાળું, હૃદયગત ખામીવાળું જન્મશે તો, એવું વિચારતી રહે છે. પોતાનું સૌંદર્ય અને સ્વાથ્ય બગડી જશે, એવા નકારાત્મક વિચારો એ કરતી રહે છે. ઘણી સ્ત્રીઓ છોકરો જન્મે એવી તીવ્ર ઝંખના કરતી રહે છે. ચિંતા-અજંપો, ભય સગર્ભાને અશાંત બનાવી મૂકે છે. દિવસે દિવસે એનો માનસિક તણાવ વધતો જાય છે. અનિદ્રા, અપચો, કબજિયાત, ગેસ-વાયુ જેવી ફરિયાદો એમાંથી ઊભી થાય છે.

ઘણી સ્ત્રીઓ સગર્ભાવસ્થામાં અત્યંત ભાવુ કે, લાગણીપ્રધાન અને તીવ્ર માનસિક આવેગવાળી બની જાય છે. વહેમ, ઇષ, ધૃણા અને ઝઘડાખોર વૃત્તિવાળી એ બની જાય છે. માનસિક તણાવ વધતાં એ સતત રડતી રહે છે. પતિ અને નજીકનાં સગાંઓની એ ભારે પજવણી કરે છે.

સગર્ભાના આવી માનસિક હાલતનાં કારણોમાં મુખ્ય કારણ પ્રસૂતિની પીડાનો ડર હોય છે. ઘણી સ્ત્રીઓને પ્રસૂતિની પીડા બાબત ખોટી રીતે ગભરાવવામાં આવે છે. પ્રસૂતિ એક નૈસર્ગિક કાર્ય છે. જાનવરો, આદિવાસી સ્ત્રીઓ અત્યંત સ્વાભાવિક રીતે એ કાર્ય કરે છે.

પ્રથમ પ્રસૂતિ વખતે ખોળો ભરવાનો અથવા “સીમંત’નો રિવાજ ઘણો જ સારો છે. સાત મહિનાની સગર્ભાવસ્થામાં ‘સીમંત’ ઊજવવામાં આવે છે. “સીમંત’ની ઉજવણી પછી સગર્ભાને એનાં માબાપના ઘરે મોકલી આપવામાં આવે છે. માબાપને ત્યાં, નિકટનાં સગાંઓનાં સાન્નિધ્યમાં સગર્ભા માનસિક સુખ-શાંતિનો અનુભવ કરે છે.

યોગ્ય આહાર, ખુલ્લી હવામાં ફરવાની કસરત, અનુકૂળ વાતાવરણ, પૂરતી ઊંધ અને આરામ તથા મનોરંજન માનસિક તણાવ દૂર કરે છે. કબજિયાત, અપચો અને ગેસ-વાયુ ન થાય, તેનો પૂરો ખ્યાલ રાખવો. ઘણીખરી ફરિયાદો મનોદૈહિક હોય છે. આથી સગર્ભાએ શારીરિક સ્વાસ્થનો પૂરો ખ્યાલ રાખવો જોઈએ. ઘરના માણસોએ પણ માનસિક તણાવમાં રહેતી સગર્ભા સાથે એ દર્દી છે, એવો વ્યવહાર કરવો નહિ. એટલું યાદ રાખવું કે, મોટા ભાગની માનસિક ફરિયાદો કાયમી હોતી નથી. એ અલ્પજીવી હોય છે.

સગર્ભાની માનસિક હાલતની ગર્ભ પર થતી અસર :

મહાભારતની કથા કહે છે કે, શ્રીકૃષ્ણ પોતાની સગર્ભા બહેન સુભદ્રાને યુદ્ધના મેદાનમાં દુશ્મનના ચક્રવ્યુહને કેવી રીતે ભેદવો, તેની માહિતીનું શિક્ષણ આપે છે. સુભદ્રાના પેટમાં રહેલો ગર્ભ, યુદ્ધના ચક્રમૂહનો મર્મ શીખી લે છે. એ ગર્ભ અભિમન્યુ નામે જન્મ લે છે. મહાભારતના યુદ્ધમાં અભિમન્યુ ગર્ભમાં શીખેલા ચક્રવૂહ ભેદવાના જ્ઞાનનો કૌરવો સામે ઉપયોગ કરે છે.

આધુનિક મનોવિજ્ઞાનની દૃષ્ટિએ ઉપલી કથામાં ઘણું સત્ય છુપાયેલું છે. વિજ્ઞાનની પ્રગતિએ બતાવી આપ્યું છે કે, ગર્ભમાંનું બાળક સાંભળે છે. અનેક પ્રકારની સંવેદનાઓનો અનુભવ કરે છે. અનેક પ્રકારના સંસ્કારોની એના ઉપર અસર થાય છે. હવે તો એ પણ સાબિત થયું છે કે, ગર્ભમાં રહેલું બાળક છીંક, ઉધરસ અને બગાસાં પણ ખાય છે, સગર્ભાની માનસિક ઉત્તેજનાના પ્રત્યાઘાતો ગર્ભનું બાળક અનેક રીતે કરતું હોય છે. સગર્ભાવસ્થા વખતે સ્ત્રી ત્રણ પ્રકારની ઉત્તેજનાનો અનુભવ કરતી હોય છે :

  1. શારીરિક ઉત્તેજના
  2. રાસાયણિક ઉોજના
  3. મનોવૈજ્ઞાનિક ઉત્તેજના

એ ત્રણ પ્રકારની ઉત્તેજનાની અસર બાળક પર થતી હોય છે. મોટા ધડાકા, સગર્ભાના પેટ પર આવી પડેલું ભારે દબાણ, ટોળામાં થતી ધક્કામુક્કીની અસર ગર્ભ ઉપર થાય છે. મીઠી પેશાબ, ૨ક્તનું ઊંચું દબાણ, સિફિલીસ, દારૂ – સિગારેટની આદત, પાંડુરોગ કે નિઃસત્ત્વ આહાર ગર્ભના બાળક ઉપર એની સ્પષ્ટ અસરો દેખા દે છે. વંશ-પરંપરાગત આવતી બીમારીની અસર ગર્ભ ઉપર અવશ્ય થાય છે. અયોગ્ય શારીરિક ઉત્તેજનાને કારણે ગર્ભપાત, અધૂર માસે જન્મેલા બાળકો, માનસિક કે શારીરિક ત્રુટિવાળાં બાળકો જન્મે છે.

સગર્ભાએ શરીરમાં ઉત્પન્ન થતા રાસાયણિક ફેરફારો બાબત સાવધ રહેવાનું છે. દવા, દારૂ, ‘ બ્રાઉન નશીલા પદાર્થોની ગર્ભ ઉપર ઘણી માઠી અસર થાય છે. ગર્ભનો વિકાસ રૂંધાય છે. ગર્ભ ખામીવાળો બને છે, ગર્ભમાંનું બાળક માતાની જેમ નશીલા પદાર્થોનું બંધાણી બને છે. એ બાળક જન્મ પછી નશીલા પદાર્થની રક્તમાં જણાતી ગેરહાજરીના પ્રત્યાઘાતો દર્શાવે છે.

વધુ પડતો દારૂ ઢીચનારી અને નશીલા પદાર્થોની બંધાણી સગર્ભાઓ પોતાના રકતના ઝરાને વિકૃત બનાવે છે. દારૂ, સિગારેટ અને તમાકુનો ઉપયોગ ગર્ભમાં રહેલા બાળક માટે જોખમકારક છે.

સગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ મહિનામાં બને ત્યાં સુધી કોઈપણ જાતની દવાનો ઉપયોગ ન કરવો. દવા અને નશીલા પદાર્થોની સૌ થી બૂરી અસર સગર્ભાવસ્થાના ત્રણ મહિના દરમિયાન થાય છે.

શરીર ૨સાયણોનું કારખાનું છે. શરીરમાં રહેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અનેક પ્રકારનાં રસાયણો તૈયાર કરી રક્તમાં ફેંકે છે. મનોવૈજ્ઞાનિક ઊથલપાથલ શરીરના રાસાયણિક બંધારણ પર અલ્સર કરે છે. ભય અને ક્રોધના આવેગમાં એડ્રિનલ ગ્રંથિના અંતઃસ્રાવ રક્તમાં ઠલવાય છે. દુઃખ, ભય, અજંપો, ભારે આઘાત જેવી તીવ્ર લાગણીઓ અને સુખની ભારે ઉત્તેજનાઓ સગર્ભાના ગર્ભને હચમચાવી મૂકે છે. માનસિક તીવ્ર આવેગ, ભારે મનોવેગના કારણે ગર્ભસ્રાવ કે ગર્ભપાત થઈ જાય છે, આથી સગર્ભાને ઉત્તેજનાત્મક કે આઘાત પહોંચાડે એવા વાતાવરણથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. જે સ્ત્રીઓ સગર્ભાવસ્થામાં શાંત રહી. માનસિક સમતુલા જાળવી રાખે છે, તેમની પ્રસૂતિ પણ સરળતાથી થાય છે. માનસિક તણાવ, શરીરના સ્નાયુઓમાં તણાવ પેદા કરે છે. પ્રસૂતિ વખતે એ તણાવ વધુ જોરદાર બને છે અને પ્રસૂતિનું કાર્ય અત્યંત પીડાકારક અને સમસ્યાવાળું બની જાય છે.

સગર્ભાના વિચારોની, માનસિક હાલતની અસર ગર્ભ પર અવશ્ય થાય છે. ધૃણા, દ્વેષ, હતાશા અને નિરાશા જેવી નકારાત્મક લાગણીઓની અશુભ અસર ગર્ભમાં રહેલા બાળક પર થાય છે. એ અસર નીચે બાળક જન્મથી મૃત્યુ પર્યત રહે છે. સગર્ભા સ્ત્રીની શુભ લાગણી, ઊંચા વિચારો અને યોગ્ય રહેણી-કરણીની શુભ અસર ગર્ભના બાળક ઉપર અવશ્ય થાય છે. ધર્મશાસ્ત્રોમાં સગર્ભાવસ્થામાં પ્રાર્થના અને પૂજાને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. પ્રાર્થનામય અને પ્રભુમય જીવનથી સ્ત્રીને ઉત્તમ સંતાનની પ્રાપ્ત થાય છે. આનંદી, ખુશમિજાજવિચારોવાળી સગર્ભા સ્ત્રી પોતે તંદુરસ્ત રહી, સર્વોત્તમ બાળકોને આ ધરતી ઉપર ઉતારે છે.

मेध्यरसायनम् ।
सतताध्यायन दादः परतंत्रावलोकम् ।
तद्विद्याचार्य सेवा च बुद्धि – मेधा करोगणः ।।
परिपूर्ण रसायणम् ।
शास्त्रानुसारिणी चर्या चित्तज्ञाः पार्श्ववर्तिनः
बुद्धिरस्वालिऽताऽर्थेषु परिपूर्ण रसायणम् ।

વિદ્યાભ્યાસ, અનુભવી અને જ્ઞાની પુરુષો સાથે જ્ઞાન-ચર્ચા અને સત્સંગ, જ્ઞાન-વિજ્ઞાન અને ધર્મશાસ્ત્રોનું અધ્યયન સગર્ભા સ્ત્રી અને તેના શરીરમાં વિકસિત થતા ગર્ભ માટે બુદ્ધિ-વિકાસનું સરસ રસાયણ છે. એ રસાયણ આમજનતા માટે પણ ઘણું ઉપયોગી છે.

Share on:
About admin

Leave a Comment

Previous

સગર્ભાવસ્થામાં આહાર-વિહાર અને વ્યાયામ